તા. ૧૦-૩-૨૦૧૭ ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને સુખિયા કરવા પધાર્યા.

ગુરુદેવ પ.પૂ. બાપજી સભા હૉલમાં પધાર્યા. નિત્યક્રમ અનુસાર મહારાજનાં દર્શન કરીને બીજા રૂમમાં લઘુ કરવા પધાર્યા. એ સમયે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી ઠાકોરજીને દંડવત કરી રહ્યા હતા.

તેઓએ જોયું કે, ગુરુદેવ પ.પૂ. બાપજીનું આસન બહુ ઊંચું છે; ચઢવામાં મુશ્કેલી પડે તેમ છે. તેથી તેઓએ સ્વયંસેવકોને આસન નીચે લેવડાવવાની ભલામણ કરી. આસન નીચે મુકાઈ ગયું પરંતુ દર વખતની જેમ  ગુરુદેવ પ.પૂ. બાપજીના આસનની આગળ ગાદીવાળું ટેબલ મુકાયું નહોતું.

ગુરુજી તે જ આ ટેબલ ગોઠવવા પધાર્યા. પણ ટેબલ મૂકવા માટે આગળ હરિભક્તોની ગાદી નડતરરૂપ હતી તો તેઓ જાતે તે ગાદી ઉપાડીને લઈ જવા લાગ્યા.

આ જોતાં જ બે કિશોરો દોડી આવ્યા અને ગુરુજીના હસ્તમાંથી ગાદી લઈ લીધી અને પ્રાર્થના કરવા લાગ્યા, “દયાળુ, આપને આ સેવા ન કરાય.” એમ કહી ગાદી યોગ્ય સ્થાને મૂકી આવ્યા.

ગુરુદેવની નાનામાં નાની સેવા કરવાની ગુરુજીની તત્પરતાને નિહાળી સૌ તેમને વંદી રહ્યા.