દાંભિક જીવન ન રાખવા બાબતે જ્ઞાનોપદેશ
ઈ.સ. ૨૦૦૯માં એક વખત સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં ગુરુદેવ પ.પૂ. બાપજી હરિભક્તોને અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા.
એ સમય દરમ્યાન વર્ષો જૂના એક હરિભક્તની વાત નીકળી.
“દયાળુ, રાજી રહેજો... એ હરિભક્તનો આખો પ્રસંગ સૌને જાણવા મળે તો તેમાંથી બધા પ્રેરણા લઈ શકે” આમ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.
“સ્વામી, અમને પ્રસંગ બેઠો યાદ આવતો નથી અને અમને અસત્ય બોલતા નથી આવડતું. અમે 1000ના ક્યારેય 1500 કહેતા નથી. આપણને શ્રીજીમહારાજે જે હોય એ જ કહેવાનું શીખવ્યું છે...”
ગુરુદેવ પ.પૂ. બાપજીના જીવનસંદેશને ગ્રહણ કરતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી વચ્ચે વચ્ચે મસ્તક હલાવી સમર્થન આપતા જતા હતા.
“દાંભિક જીવન નહિ જ રાખવું. જે વક્તા થાય તેને આનો બહુ ખટકો રાખવો પડે. જો વક્તા ધ્યાન ના રાખે તો કપટ પેસે. એટલે આપણો તો સિદ્ધાંત જ એ – ‘ન આવડે તો તરત સ્વીકારી લેવું પણ આપણા મોભાને ઊજળો દેખાડવા ખાતર ખોટો જવાબ તો ન જ આપવો જોઈએ.’ આમ કરવાથી આપણે તો હળવા રહીએ. ભલે ને જેને જે વિચારવું હોય તે વિચારે. એમાં આપણે શું ? આપણું તો સુધરે છે ને. કાયમી માંહી એવા બહાર, બહાર એવા માંહી રહેવાય... એમાં ખોટું શું છે ?”
સર્વે સંતો ને હરિભક્તોને આગ્રહપૂર્વક પોતાની આ અભિરુચિ પ્રસંગ કહેવા નિમિત્તે ગુરુદેવ પ.પૂ. બાપજીએ જણાવી.
આમ, સંતો-ભક્તો માટે જેમનું જીવન-વચન જ જ્ઞાનપીઠ-વર્તનપીઠ સમાન છે.