નવા હરિભક્તને ગુરુદેવ પ.પૂ. બાપજીએ નિર્વ્યસની કર્યા
ગુરુદેવ પ.પૂ. બાપજી વાસણા મંદિરે સંધ્યા સમયે દર્શન આપવા બિરાજ્યા હતા. એમાં કોઈ નવા હરિભક્ત દર્શને આવ્યા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ તેમને પૂછ્યું,
“શું તમે નોટ બાળો છો ?”
“હું ક્યાં નોટ બાળું છું ?”
“તમારે શું વ્યસન છે ?”
“બીડીનું...”
“આ બીડી તે રૂપિયા-નોટ દ્વારા ખરીદેલ છે. હવે તમે બીડીને બાળો છો એનો અર્થ કે તમે નોટને બાળી રહ્યા છો...”
તેઓ બે ઘડી માટે સ્તબ્ધ થઈ ગયા.
“તમે કેટલું કમાવ છો ?”
“બાપજી, મહિને માંડ ત્રણ-ચાર હજાર !”
“બીડી રોજની કેટલાની પીવો છો ?”
“દસ રૂપિયા...”
“તમને ખ્યાલ આવે છે ? મહિને ત્રણસો અને બાર મહિને છત્રીસો રૂપિયાની બીડી પી જાવ છો... આ તમે બચાવો તો તમારે એક બોનસ આવક થઈ જાય. શરીર સારું રહે. ઘરમાં શાંતિ રહે. સમજાય છે કંઈ !”
“હા બાપજી...”
“તો હવે શું કરશો ? છોડવી છે બીડી ?”
“બાપજી, છોડવી છે પણ છૂટતી નથી. આખો દા’ડો કામ કરતી વખતે બહુ સાંભરે છે ! એના વગર ઝાડે જવાતું નથી...”
ગુરુદેવ પ.પૂ. બાપજી એમની વાત સાંભળી મંદ મંદ હસ્યા અને બોલ્યા : “એવું કંઈ ના હોય... પણ તમે મનના ઢીલા છો. આજે મૂકો તો કાયમી જશે...”
“હા બાપજી, આજથી મૂકી...”
ગુરુદેવ પ.પૂ. બાપજી રાજી થયા અને એમને જળ આપ્યું ને બોલ્યા : “રોજ સવારે પાંચ માળા સ્વામિનારાયણની કરજો... શ્રીજીમહારાજ એ સાંભરવા દેશે નહીં.”
આમ, પોતાના જોગમાં આવનારને ગુરુદેવ સૌપ્રથમ નિર્વ્યસની કરતા.