ગુરુદેવ પ.પૂ. બાપજીની રસોડામાં સેવા કરવાની રીત
ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી દર્શન-સમાગમ અર્થે પધાર્યા હતા. સાંજનો સમય હતો. ત્યારે મોરબી ખાતે આપણું સંસ્થાનું મંદિર ન હતું. તેથી કોઈ પાકા સત્સંગી હરિભક્તના ઘરે પૂ. સંતોનો ઉતારો હતો.
ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં એક જ સંત હતા. ત્યાંના સ્થાનિક સંતો સભાની તૈયારી કરવા માટે બહાર ગયા હતા. રસોઈ કરી ઠાકોરજીના થાળ કરી ગુરુદેવ પ.પૂ. બાપજીને જમાડવાના હતા એટલે સેવક સંત રસોડું સાફ કરી રસોઈની તૈયારીમાં લાગી ગયા.
ગુરુદેવ પ.પૂ. બાપજી બહાર આસન ઉપર હરિભક્તોને લાભ આપતા હતા.
અચાનક ગુરુદેવ પ.પૂ. બાપજી રસોડામાં પધાર્યા. સાથે રહેલ સેવક સંતને કહ્યું,
“સ્વામી, તમે ભાખરીનો, લોટ બાંધી ભાખરી ચાલુ કરી દો. હું ખીચડી મૂકી દઉં. થાળ સમયસર થઈ જાય અને હરિકૃષ્ણ મહારાજને થાળનું મોડું ન થાય અને સમયસર સભા પણ શરૂ થઈ જાય.”
સેવક સંત તો ના પાડતા જ રહ્યા અને આ ઉંમરે આ દિવ્યપુરુષ થાળી લઈ ખીચડી સાફ કરવા લાગ્યા અને ખીચડી ધોઈ ગૅસ ઉપર તપેલી મૂકી દીધી. એટલું જ નહિ પરંતુ ખીચડી ન થઈ ત્યાં સુધી ધ્યાન રાખ્યું અને શાક પણ વઘારી દીધું !
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી સંતોની પરિસ્થિતિ સમજી તેમને સહૃદયી થઈ જતા.