બધા ભૂખ્યા નથી રહ્યા ને !!
તા. ૮-૩-૨૦૧૮ ને ગુરુવારના રોજ સર્વે STKના મુક્તો ગુરુદેવ પ.પૂ. બાપજીની જ્ઞાનસભાનો લાભ લેવા વાસણા ગયા હતા.
જ્ઞાનસભા પૂર્વે સવારે ૭:૧૦ વાગ્યે સર્વે મુક્તો ગયા. ગુરુદેવ પ.પૂ. બાપજીના આસને નિકટ દર્શન કરવા ગયા.
સૌ મુક્તોને જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજીએ તરત કહ્યું, “ઓહોહો... અક્ષરધામના મુક્તો આવ્યા.”
ગુરુદેવ પ.પૂ. બાપજીએ સૌ મુક્તોને નિકટ દર્શનનો લાભ આપ્યો.
થોડી વાર બાદ ગુરુદેવ પ.પૂ. બાપજીએ સર્વે મુક્તોને પૂછ્યું, “તમે બધાય સવારે અલ્પાહાર કરીને આવ્યા છો ને ?”
“ના બાપજી, સભા બાદ સ્વામિનારાયણ ધામ પર જઈને અલ્પાહાર કરવાનો છે” એક સાધકમુક્તે કહ્યું.
“તમે કેટલા વાગે ધામ પર પહોંચશો ?” ગુરુદેવ પ.પૂ. બાપજીએ પૂછ્યું.
“બાપજી, નવ-સાડા નવે પહોંચશું. આપ ચિંતા ન કરો દયાળુ !” સાધકમુક્તે હાથ જોડી ઉત્તર આપ્યો.
“અરે... આટલું બધું મોડું !! સ્વામી, તમે અત્યારે જ STKના મુક્તોને અલ્પાહારની વ્યવસ્થા કરી આપો” વ્હાલા ગુરુદેવ પ.પૂ. બાપજીએ સેવક સંતને તરત જ કહ્યું.
સેવક સંતે STKના સૌ મુક્તોને ફરસાણ અને ફ્રૂટ-દૂધ પીરસ્યું ને જમાડ્યા.
સભા બાદ પોણા નવે સૌ મુક્તો ફરી ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા ગયા ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ સૌને પૂછ્યું, “બધાએ જમાડ્યું ને ? કોઈ મુક્તો ભૂખ્યા નથી રહ્યા ને !!!”
જ્યાં આ લોકની અનંત ‘મા’નો પ્રેમ પણ ઓછો પડે એવા વ્હાલા ગુરુદેવ બાપજીના આ શબ્દો સાંભળી STKના મુક્તોનાં નેત્રો મહિમાથી સજળ બની ગયાં.
અરસપરસ તેઓના શબ્દો સરી પડ્યા : “બાપજી એટલે બાપજી. એ દિવ્યપુરુષ આપણને મળી ગયા ને પોતાના વ્હાલા દીકરા કરી દીધા. કેટલી કૃપા !!”
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીના માતૃવાત્સલ્ય સ્નેહમાં સમર્પિત મુક્તો ગરકાવ બની ગયા.