એક વખત ગઢપુરમાં દાદાખાચરના દરબારગઢમાં લીંબતરુ હેઠે શ્રીહરિ સભામાં બિરાજમાન હતા. સદ્. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો,

“હે મહારાજ, આપ વનવિચરણ દરમ્યાન મોટા મોટા રાજા-મહારાજાઓના મહેલમાં ન બંધાયા, મઠાધિપતિઓના મઠમાં કે મહંતાઈમાં ન બંધાયા અને ગઢપુરમાં આ દાદાખાચરના દરબારને જ આપ પોતાનું ઘર માની કાયમ માટે રોકાઈ ગયા. એટલું જ નહિ, ત્યાગી-ગૃહી સર્વેમાં આપનો જેવો રાજીપો દાદાખાચર પર છે એવો કોઈના પર જણાતો નથી તો આપ દાદાખાચર ઉપર અતિશે રાજી જણાવ છો તેનું કારણ શું ?”

“સ્વામી, જ્યારથી દાદાને અમારો યોગ થયો છે, અમને ભગવાન જાણીને ઓળખ્યા છે ત્યારથી અમને ન ગમે એવો એકેય સ્વભાવ તેમણે રહેવા દીધો નથી એટલે અમો દાદા પર અંતરથી ખૂબ રાજી છીએ.”

આમ, શ્રીજીમહારાજના ગમતામાં રહેનાર પર સદાકાળ રાજીપો રહે છે.