એક વખત સદ્. સ્વરૂપાનંદ સ્વામીએ ગઢપુરમાં ગંભીર મંદવાડ ગ્રહણ કર્યો. સંતો-હરિભક્તોએ વૈદ્યોને બોલાવી ઔષધ કરાવ્યું હતું.

એ વખતે શ્રીજીમહારાજ વડતાલથી ગઢપુર પધાર્યા. ભગુજીએ સદ્. સ્વરૂપાનંદ સ્વામીના મંદવાડના સમાચાર આપ્યા.

એ જ દિવસે અડધી રાત્રે શ્રીહરિ સદ્. સ્વરૂપાનંદ સ્વામીને જીવાખાચરના દરબારમાં દર્શન આપવા પધાર્યા હતા. શ્રીહરિ સ્વામીના ખાટલા પાસે આવીને બેઠા.

શ્રીહરિએ સ્વામીના શરીર પર હસ્ત ફેરવ્યો ને પૂછ્યું,

“સ્વામી, મંદવાડનું બહુ દુ:ખ થાય છે ?”

“ના... ના... મહારાજ ! ટટ્ટુ દૂબલા હૈ, અસવાર તો તાજા હૈ. દુ:ખ તો આ દેહને છે, આત્માને કશું નથી. હું તો તમારી મૂર્તિમાં છું.”

મહાપ્રભુ તેમની આત્મનિષ્ઠા જોઈ રાજી થઈ ગયા.