૩૧ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી દરમ્યાન સ્વામિનારાયણ ધામ ખાતે AYP કૅમ્પ ચાલી રહ્યો હતો.

દ્વિતીય+ દિને બપોરના સેશનમાં ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સભા હૉલમાં પધાર્યા તે દરમ્યાન પૂ. વડીલ સંતો કથાવાર્તાનો લાભ આપી રહ્યા હતા.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી સ્ટેજ તરફ પધારતા હતા તે દરમ્યાન સભામાં પાછળ બેઠેલા બે યુવામુક્તો અરસપરસ કંઈક વાતચીત કરી રહ્યા હતા.

ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી આ જોઈ ગયા. તરત જ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ એ મુક્તોની નજીક જઈ પ્રેમથી તેમના માથે હસ્ત ફેરવતાં કહ્યું કે, “દયાળુ, એક ટકોર કરું ?”

ત્યારે પેલા મુક્તે કહ્યું, “હા મહારાજ. આપને આવું પૂછવાનું ન હોય ! અમે તો આપના સેવક છીએ. આપને જ્યારે અમને જે કહેવું હોય તે નિધડકપણે કહેવાનું હોય. એ આપનો અબાધિત અધિકાર છે.”

ત્યારે ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “અત્યારે કથાવાર્તા ચાલુ છે, મોટેરા સંતો દ્વારા મહારાજ લાભ આપી રહ્યા છે. એ દરમ્યાન આપણે અન્ય વાતો કરીએ એ યોગ્ય ન કહેવાય. વાતો તો સભા પૂરી થયા પછી પણ કરી શકાય. નહિતર વાતોમાં ને વાતોમાં મહારાજનો આપણા માટેનો જે આગ્રહ આવ્યો હોય તે જતો રહે. તો પછી એ પ્રમાણે આપણું જીવન કેમ થાય ? કથાવાર્તા સાંભળતાં સાંભળતાં નિરંતર વિચાર કર્યા કરવો કે, મહારાજ જ લાભ આપી રહ્યા છે... ભલે કથા કરનાર સંત નાના હોય કે મોટા હોય, એમના દ્વારા બોલનારા મહારાજ છે. વળી, મહારાજ મારા માટે જ વાત કરી રહ્યા છે. મારે જરૂર છે, મારામાં કસર છે એટલે વાત કરી રહ્યા છે. આવા વિચારો સાથે એકાગ્રતાથી શ્રવણ કરવું તો મહારાજ આપણી ઉપર રાજી થાય અને કથા સાંભળ્યાનો હેતુ સરે.”

આમ, સર્વાંગ સ્વરૂપ ગુરુજી હરિભક્તની નાની કસર પણ ન જવા દેવી તેવો આગ્રહ સેવે છે.