“દયાળુ, વિચરણ માટે નવી ઇનૉવા ગાડી આવી ગઈ છે.” વાત એમ હતી કે ગુરુજી વર્ષોથી વિચરણ માટે જે ગાડી વાપરતા હતા તે ખૂબ જૂની થઈ ગઈ હતી. તેથી ખૂબ પ્રાર્થના બાદ ઈ.સ. ૨૦૧૭માં ગુરુજી માટે ઇનૉવા ગાડી છોડાવી. તેથી પૂ. સેવક સંત ગુરુજીને સાંજે જળ આપવા ગયા ત્યારે ઉપરોક્ત વાત કરી.

ત્યારે સહજતાથી ગાડી આવી-ન આવી તેના કોઈ આનંદ વગર ગુરુજી નાકની ડાંડી પર રહેલા ચશ્માંની બહારથી દૃષ્ટિ કરતાં બોલ્યા, “તો શું ?”

ગુરુજીની રુચિ જાણી સેવક સંત ત્યાંથી નીકળી ગયા.

એકાંત બાદ પ્રથમ વખત ગુરુજી નવી ઇનૉવા ગાડીમાં બિરાજ્યા હોવા છતાં જૂની ગાડીમાં બિરાજતા હોય એટલી જ સહજતાથી બિરાજ્યા. વળી, નવી ગાડી અંગે ન તો ડ્રાઇવર મુક્ત જોડે ન સેવક સંત જોડે કંઈ ચર્ચા કરી. એટલું જ નહિ, પાછળ કેટલી સીટ છે ? કેવી સીટ છે ? તે જોવાની પણ કોઈ દરકાર નહીં.

આ પરભાવી સ્વરૂપના જીવનમાં આવો આંતરમુખતાનો પડઘો સદૈવ ઝીલતો હોય છે.