આપણી દૃષ્ટિમાં આવ્યા ને !!!
સમય હતો ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના વિદેશ વિચરણનો.
ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી બોસ્ટનથી ન્યૂજર્સી ખાતે ગાડીમાં પધારી રહ્યા હતા. સાથે આવેલા સંતો-ભક્તોને ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી પોતાની દિવ્યવાણી દ્વારા સુખિયા કરી રહ્યા હતા.
અચાનક તેમની ગાડીને ઓવરટેક કરી એક ગાડી ફુલસ્પીડે આગળ નીકળી.
ગાડી ચલાવવાનો જેમને લાભ મળ્યો હતો તે હરિભક્ત સહસા જ બોલી ગયા કે, “સ્વામી, નક્કી આગળ જતાં આ ગાડીનો ઍક્સિડન્ટ થશે અથવા તો પોલીસ આવીને પકડશે.”
અને આ વાત પૂરી થઈ ત્યાં જ પોલીસની ગાડી પાછળ આવી ને ઓવરટેક કરીને ફુલસ્પીડે જતી ગાડીને ઊભી રખાવી.
ગાડી ચલાવનાર ભાઈએ કહ્યું, “સ્વામી, આમને 500 ડૉલરનો દંડ થશે.”
ત્યાં જ દયાળુ મૂર્તિ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ સૌને કહ્યું, “સંતો-હરિભક્તો, ચાલો આપણે મહારાજને ધૂન કરીએ કે બિચારાએ ભૂલ કરી છે પણ છતાં ઓછો દંડ થાય.”
આ સાંભળતાં જ એક હરિભક્તે પૂછ્યું,
“સ્વામી, આ ગાડીવાળા ક્યાં આપણા ઓળખીતા છે તો તેમના માટે આપ ધૂન કરાવો છો ? એમને ને આપણે શું લેવા-દેવા ?”
“મુક્તો, એ આપણી દૃષ્ટિમાં આવી ગયા ને... આથી એનો મોક્ષનો માર્ગ શરૂ થઈ ગયો. એટલે એ આપણા સંબંધી થઈ ગયા.” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું.
જવાબ સાંભળતાં જ સાથે રહેલા સંતો-હરિભક્તો એ દિવ્યપુરુષની કરુણા, દયાળુતાના વિચારમાં ડૂબતા થકા વિચારવા લાગ્યા...
“જેને શત્રુ-મિત્ર સમ તોલે રે...”