આમોદના દીનાનાથ ભટ્ટ પ્રખર જ્ઞાની હતા.

તેમને શાસ્ત્રના ઘણા શ્લોક મુખપાઠ હતા. તેનું તેમને માન રહી જતું.

એક દિવસ શ્રીજીમહારાજે દીનાનાથ ભટ્ટને પૂછ્યું કે,

“ભટ્ટજી, તમને કેટલા શ્લોક મોઢે આવડે છે ?”

“મહારાજ, આપની કૃપાથી આશરે 18,000 શ્લોક મોઢે આવડે છે. કથા વાંચવા બેસું ત્યારે પુસ્તક ખોલું છું પણ દૃષ્ટિ કરવાની જરૂર નથી પડતી.”

“ભટ્ટજી, તમારી વાત સાચી પણ એક પ્રશ્ન પૂછું ?”

“બોલો દયાળુ.”

“ભટ્ટજી, તમને શાસ્ત્રના 18,000 શ્લોક મોઢે આવડે છે પરંતુ એ શ્લોકમાંથી તમે તમારા જીવાત્માનાં કલ્યાણ અર્થે કયો એક શ્લોક નક્કી કર્યો છે ?”

આ પ્રશ્ન સાંભળતાં દીનાનાથ ભટ્ટ છોભીલા પડી ગયા. કારણ કે 18,000 શ્લોકમાંથી એક પણ શ્લોક પોતાના જીવાત્માનાં કલ્યાણ અર્થે નક્કી નહોતો કર્યો.

આમ, શ્રીહરિ માત્ર વાચ્યાર્થ જ્ઞાનથી રાજી નથી થતા. શ્રીહરિ મુમુક્ષુતાના આગ્રહ સાથે જ્ઞાનને લક્ષ્યાર્થ તરફ લઈ જનાર પાત્રો ઉપર ખૂબ રાજી થાય છે.