એક સમયે ગઢપુરમાં શ્રીહરિ સર્વે સંતોને પંક્તિમાં પીરસી હસ્ત-ચરણ ધોઈને ઢોલિયા ઉપર બિરાજ્યા અને જમાડવાના હરે થયા.

નિર્મળાનંદ સ્વામી નાહવા ગયા હતા તે નાહીને પત્તર લઈને મહારાજ પાસે આવ્યા ને કહ્યું,

“મહારાજ ! હું આપની પ્રસાદી વિના રહી ગયો.”

ત્યારે મહારાજે કહ્યું, “સૌ સંતોના પત્તરમાંથી કોળિયો કોળિયો માગી લો, અમે હવે હાથ એંઠા નહિ કરીએ.”

નિર્મળાનંદ સ્વામીએ પંક્તિમાં ફરી સૌ સંતોના પત્તરમાંથી એક એક કોળિયો પ્રસાદી માગી લીધી. એથી એમનું પત્તર છલકાઈ ગયું.

સર્વે સંતો ઠાકોરજી જમાડ્યા બાદ શ્રીહરિ પાસે બેઠા. ત્યારે શ્રીહરિએ નિર્મળાનંદ સ્વામીના પ્રસંગે સૌ હરિભક્તોને ઉપદેશ આપતાં કહ્યું,

“જેમ નિર્મળાનંદ સ્વામીએ દરેક સંતોના પત્તરમાંથી એક એક કોળિયો લીધો તો તેમનું પત્તર છલકાઈ ગયું. તેમ સંત-હરિજને કોઈનો અવગુણ લેવો નહીં. અવગુણ લેવાથી જીવાત્માનું ભૂંડું થાય છે એવું કોઈ પાપે કરીને થાતું નથી. સૌના ગુણ ગ્રહણ કરવા. ગુણ ગ્રહણ કરવાથી જીવાત્મા બળને પામે અને ગુણોથી છલકાઈ જઈએ. અને અમે બહુ રાજી થઈએ.”

આમ, શ્રીહરિની આવા પ્રસંગોપાત્ત સૌને દૃષ્ટાંતમાંથી સિદ્ધાંત આપવાની અનોખી રીતને સૌ સંતો-ભક્તો વંદી રહ્યા.