“વચનામૃતમાં શ્રીહરિએ વારંવાર નિર્માની ભક્ત પર રાજીપો જણાવ્યો છે. આપણે મહારાજને રાજી કરવા છે, નિર્માની થવું છે તો જો આપ બધા રજા આપો તો એક પદ્ધતિ શરૂ કરીએ કે સભામાં આવીએ ને જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જવાનું.” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ તા. ૧૫-૧૧-૨૦૧૭ની સંકલ્પ સભામાં સર્વે ભક્તો આગળ વિનંતી કરી. સર્વે ભક્તોએ રાજી થકા બે હાથ જોડી સંમતિ આપી. તા. ૩૦-૧૧-૨૦૧૭ની સંકલ્પ સભામાં નિકોલ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પંચાલ ગુરુજીનાં દર્શન-આશીર્વાદ માટે આવ્યા હતા. સભા ચાલુ હતી તેથી તેઓ પાછળ બેસી ગયા. હરિભક્તોએ તેમને ખુરશી આપી આગળ બેસવા જણાવ્યું. છતાં જગદીશભાઈએ કહ્યું, “ના, અહીં બરાબર છું.”

ચાલુ સભાએ ગુરુજી આ નિહાળી રહ્યા હતા.

સભા પૂર્ણ થયા બાદ ગુરુજીએ તેમના પર રાજીપો જણાવતાં કહ્યું, “આપણે ગત સભામાં જણાવેલું કે સભામાં જ્યાં જગ્યા હોય ત્યાં બેસી જવું. તે સભામાં જગદીશભાઈ હાજર નહોતા છતાં તેઓ જ્યારે આવ્યા ત્યારે પાછળ જ બેસી ગયા. કોઈ અપેક્ષા પણ ન રાખી કે મને સ્વામી આગળ બોલાવે. ધન્યવાદ.”

તેઓ આગળ પૂજન-દર્શન માટે પધાર્યા ત્યારે ગુરુજીએ કહ્યું, “જગદીશભાઈ, હવેથી અમે આવી પ્રથા ચાલુ કરી છે. તમારા પ્રતિ નિધડકપણું હતું એટલે આગળ બોલાવવાની જરૂર ન પડી. સદાય આવા નાનાથી નાના રહેજો તો મોટાથી મોટા થઈ જશો.”

આમ, ગુરુજીનો સત્સંગ સમાજને વચનામૃતના અભિપ્રાય સમ કરવાનો અનન્ય આલોચ અખંડ જોવા મળે છે.