શ્રીહરિ નિંગાળાથી પધારી જેતલપુર પધાર્યા અને ગંગામાની ડેલી ખખડાવી.

“અરે મહારાજ, પધારો... પધારો...” હરખઘેલા ગંગામા તો ઊંચેથી સાદ પાડી બોલતાં હતાં. તેમને હાથનો ઇશારો કરી શ્રીહરિ બોલ્યા, “અમારે છાના રહેવું છે. માટે કોઈને વાત કરશો નહીં.” આ સાંભળી ગંગામાએ શ્રીહરિને ઘરમાં લઈ જઈ બારણું વાસી મોટી ભૂંગળ લગાવી દીધી.

બીજે દિવસે શ્રીહરિ ગંગામાના ઘરે ગુપ્તવાસમાં હતા ત્યારે ગંગાદાસ અને આશજીભાઈએ ગંગામાને ઘેર આવી પૂછ્યું,

“ગંગામા, મહારાજ ક્યાં છે ?”

ગંગામાએ કહ્યું, “મહારાજ આંહીં કેવા ? આવ્યા હોય તો બધાને કહું નહીં ?” ત્યાં તો મહારાજ અંદરથી બોલ્યા,

“મા ! અમે રાતના અહીં જ છીએ ને ના કેમ કહો છો ?” 

“દીકરા થઈને માડીને ખોટી પાડો છો ? તમે જ રાત્રે નો’તું કહ્યું કે, અમારે છાના રહેવું છે.” ગંગામાએ કહ્યું.

“ગંગામા ! ભક્તો અમને છાના રહેવા દે તેવા નથી. ગમે ત્યાંથી શોધી કાઢે. અમારે એકાંતનું અંગ છે. સંતો-હરિભક્તોને અમારા વિના એક ઘડી રહેવાતું નથી. માટે અમે પણ નક્કી કરી રાખ્યું કે ભક્તો ભેળા રહેવું એ જ એકાંત.”

શ્રીહરિનું અવરભાવમાં એકાંત સેવનનું અંગ હોવા છતાંય પોતાના સંતો-ભક્તોનો મહિમા સમજી એમના સમૂહમાં રહેતા.