શ્રીહરિ નિંગાળા મિયાંજીના ઘરને પાવન કરી આગળ રાયકા નીકળવા પધારતા હતા. તે વખતે અચાનક મિયાંજીને કંઈક યાદ આવતાં ઊભા થઈ ઘરમાં જઈ કાગળ અને કલમ લાવ્યા અને શ્રીહરિને કહ્યું, “દયાળુ, આપે મારા ઘરને પાવન કર્યું ! હવે આપ આ કાગજમાં કંઈક શબ્દ પાડી આપો (આશીર્વાદ આપો).”

શ્રીહરિ મંદહાસ્ય રેલાવતાં કાગળ ને કલમ હસ્તમાં લઈ ફરીથી ખાટ પર બિરાજી ગયા અને સ્વયં લખવા લાગ્યા. શ્રીહરિના જ દિવ્ય અમૃતમય વચનો :

“સંમત ૧૮ સે ૭૨ ને માગશર સુદ ૧ને દિન મિયાંજી રતનજીએ અમારી પદરામની કરી છે. તેનો મહિમનનો (મહિમાનો) શ્રી સહજાનંદજી તથા દાદાખાચર, સાધુ, બ્રહ્મચારી અને સત્સંગી સરવે અમારા સેવકોની સભા થઈ છે. ધૂન કરી છે અમોઈ પ્રસાદી ચરણ પગલાં પાડી આપાં છે. મિયાંજી મુસલમાન છે પણ અમારે સરવે સરખા છે. કોઈ હિન્દુ કે મુસલમાન જાનતા નથી, સર્વે પ્રાની સરખા છે. મિયાંજીએ અમને ઓલખા (ઓળખ્યા) છે એટલે મારા દાસ સેવક મિયાંજીને અમારા વસન (વસ્ત્રો), પગ (ચરણારવિંદ) વગેરે પ્રસાદી આપી છે. આ મઈમા જે કોઈ વાંચસે અથવા દરસન કરછે તો (તે) પ્રાની (ને) અમે અક્ષરધામ મેં તેડી જાસે. હમેસ દરસન કરસે તો અમારા તેજમાં જ મલસે.”

કામધેનુ ગાયને જ્યારે દોઈએ ત્યારે દૂધ આપે તેમ શ્રીહરિ એવા દયાળુ સ્વરૂપ કે તેઓને જ્યારે જે પ્રાર્થના કરીએ તે આપણા મનોરથ પૂર્ણ કરે.