તમારા ભેળા મહારાજ દુભાયા
“દયાળુ, આ બાળમુક્તનું તોફાન દિન-પ્રતિદિન ખૂબ વધી ગયું છે માટે રજા આપ્યે જ છૂટકો.” ગુરુકુલની સેવા સંભાળતા ગૃહપતિએ ગુરુજીને પ્રાર્થના કરી.
“ના, આપણા ઘરેથી કોઈને ના કે જા ન જ કહેવાય. એ મારી જોડે આવ્યો છે તેથી છેલ્લી વાર માફ કરી દઈએ. એમને સુધારીને સીધા ચલાવવાની બાંયધરી હું આપું છું.” ગુરુજીએ તોફાની બાળમુક્તને ગુરુકુલમાં રાખવાની આજ્ઞા કરી. સામે તે બાળમુક્તને પ્રેમથી સમજાવી સુધારો કરવાની આજ્ઞા કરી.
થોડા દિવસ બાદ...
ગુરુજી વિચરણમાંથી પધાર્યા ત્યારે આ બાળમુક્ત તોફાન કરતા જોયા. તે જોઈ ગુરુજી નારાજ થયા અને તે બાળમુક્તને નજીક બોલાવી થોડું કડકપણે વઢ્યા.
સાંજે ગુરુજી ઠાકોરજી જમાડવા ન પધારતાં પૂ. સંતો ગુરુજીને બોલાવવા આસને ગયા ત્યારે ગુરુજીને દુ:ખી જોયા. પૂ. સંતોએ પૂછ્યું, “દયાળુ, શું થયું ?”
“સાંજે બાળમુક્તને વઢી જવાયું તે કેવા દુખી થઈ ગયા હશે !! તેથી અમને ચેન પડતું નથી. ચલો, જમાડતા પહેલાં ગુરુકુલમાં તેમની માફી માગીશ પછી જ મને શાંતિ થશે.”
ગુરુજી સીધા જ સંત આશ્રમથી ગુરુકુલ લાઇબ્રેરી રૂમમાં આ બાળમુક્ત જોડે પહોંચી ગયા અને તેમની નમીને પગે લાગી માફી માગી :
“રાજી રહેજો. આજે અમે તમને વઢ્યા તે ભેળા મહારાજ દુભાઈ ગયા.” આ બાળમુક્તના આંખમાં હર્ષાશ્રુ આવી ગયા અને ત્યારથી તેમનું જીવન સંપૂર્ણ પરિવર્તન થઈ ગયું. આપણા ગુરુજી કેવું અદ્ભુત સ્વરૂપ છે !! માફી આપીને કે માફી માગીને પણ અનેકના જીવન પરિવર્તનની ચિનગારી પ્રગટાવે.