માગશર-પોષ મહિનાની ગમે તેવી કાતિલ ઠંડી હોય તોપણ ગુરુદેવ પ.પૂ. બાપજી ક્યારેક જ સાજે-માંદે ગરમ શાલ ગ્રહણ કરે.

એક દિવસ શિયાળાની કડકડતી ઠંડીમાં સવારે પ્રાતઃસભામાં બધા જ હરિભક્તો બે-ત્રણ ગરમ વસ્ત્રો પહેરીને આવ્યા હતા.

પરંતુ ગુરુદેવ પ.પૂ. બાપજી માત્ર ગાતડિયાભર કથાવાર્તામાં લાભ આપી રહ્યા હતા. સભામાં કોઈ ખિસ્સામાંથી કે શાલમાંથી હાથ પણ બહાર કાઢતું નહોતું એવી ઠંડીમાં ગુરુદેવ પ.પૂ. બાપજી આજાનબાહુ લંબાવી આગવી અદાથી સૌને લાભ આપી રહ્યા હતા.

તીવ્ર ઠંડીમાં બધા કાંપતા હતા છતાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ કશું ઓઢેલું નહીં.

તેથી ચાલુ સભાએ એક હરિભક્તથી ના રહેવાયું અને ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી પૂછી લીધું કે, “દયાળુ ! આપ આવી કડકડતી ઠંડીમાં પણ કેમ શાલ ઓઢતા નથી ? શું આપને ઠંડી નથી લાગતી ? કહો તો અમે આપને ફાવે તેવી શાલ લાવી આપીએ. શા માટે જાણી જોઈને ટાઢ સહન કરો છો ?”

ત્યારે ગુરુદેવ પ.પૂ. બાપજીએ સહજભાવે હસતાં હસતાં ઉત્તર કર્યો કે, “સહન કરે એ જ સાધુ. અમે અત્યારે શિયાળામાં ઠંડી સહન કરીએ તો ઉનાળામાં ગરમી સહન કરી શકાય.” એમ કહી વાત વાળી લીધી ને કથાવાર્તા ચાલુ કરી દીધી.

સંતોએ શાલ આપી છતાં ગ્રહણ ન જ કરી. સગવડ હોવા છતાં પ્રતિકૂળતામાં રહેવું એ જ દિવ્યપુરુષની મહાનતા છે.