ઈ.સ. ૨૦૧૨ વ્હાલા ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીનું કૅનેડા ખાતે વિચરણ.

“હેલો, દયાળુ જય સ્વામિનારાયણ. સ્વામી, મારો દીકરો ટોરન્ટો રહે છે. તેમના સ્ટોર પર પધરામણી કરવા પધારજો.” ઇન્ડિયાથી એક હરિભક્તે ગુરુજીને ફોન પર પ્રાર્થના કરી.

“દયાળુ, અમારે પધરામણી ચાલે છે. શક્ય બનશે તો સેટિંગ કરીશું.”

ગુરુજીએ પધરામણી કરવા અંગે અરુચિ જણાવી.

હરિભક્તને ખ્યાલ આવ્યો તેથી આગ્રહપૂર્વક પ્રાર્થના કરી :

“સ્વામી, દીકરાએ મહારાજને અર્પણ કરવા ૫૧ હજાર ડૉલરનો ચેક તૈયાર કર્યો છે.”

“‘ભલે.” એટલું જણાવી ગુરુજીએ ફોન મૂક્યો.

ઇન્ડિયામા આ હરિભક્તે ગુરુદેવ પ.પૂ. બાપજીને ફરિયાદ કરી,

“દયાળુ, સ્વામી કૅનેડા પધાર્યા છે. મેં મારા દીકરાના સ્ટોર પર પધરામણીએ જવા ઘણી પ્રાર્થના કરી પણ પધારતા નથી. તો તમે કહો ને !” 

ગુરુદેવ પ.પૂ. બાપજીએ તરત ગુરુજીને ફોન કર્યો અને પૂછ્યું ત્યારે ગુરુજીએ જણાવ્યું,

“બાપજી, તેમના દીકરાને મીટનો (માંસ) ધંધો છે. જેમાં પધરામણી કરવાની આપની રુચિ નથી માટે નથી ગયા.”

ગુરુદેવ બાપજી બોલી ઊઠ્યા, “હા સ્વામી, લાખો રૂપિયા આપે તોપણ ત્યાં પધરામણી ન જ કરાય. આપણે ડૉલર માટે વિદેશ નથી જતા.”

બંને દિવ્યપુરુષોની કેવી નિયમ-ધર્મની દૃઢતા !!